વિરાટ કોહલી બન્યો ‘પ્લેયર ઓફ ધ ટૂર્નોમેન્ટ’, ભીની આંખે હાથમાં પકડી ટ્રોફી, જાણો કોને કયો એવોર્ડ

ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત આ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી હોવા છતાં તમામ ખેલાડીઓએ આખી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટની દરેક મેચમાં ટીમ માટે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. હવે વિરાટ કોહલીને વર્લ્ડ કપ 2023ના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

IND vs AUS final : વિરાટ કોહલીને વર્લ્ડ કપ 2023માં તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો

તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવ્યા છે. વિરાટે ટૂર્નામેન્ટમાં 765 રન બનાવ્યા છે, આ દરમિયાન તેણે 3 શાનદાર સદી પણ ફટકારી છે. વિરાટને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. ફાઈનલ મેચમાં પણ વિરાટ કોહલીએ ટીમ માટે 54 રનની મહત્વની ઈનિંગ રમી હતી. વિરાટે ભીની આંખો સાથે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી પોતાના હાથમાં લીધી.

ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો

ફાઇનલ મેચમાં ટ્રેવિસ હેડે ભારત સામે 120 બોલમાં 137 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ટ્રેવિસ અલગ જ દેખાઈ રહ્યો હતો. ત્રણ વિકેટ વહેલી પડી ગયા પછી, હેડે ઇનિંગની જવાબદારી સંભાળી અને ટીમને શાનદાર જીત તરફ દોરી. હેડને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

વિજેતા અને રનર અપને કેટલી ઈનામી રકમ મળશે?

હવે જો આપણે ફાઈનલમાં વિજેતા અને હારેલી ટીમ એટલે કે રનર અપની વાત કરીએ તો ઉપવિજેતા ટીમને 20 લાખ ડોલર એટલે કે 16.58 કરોડ રૂપિયા આપવામાં આવશે. વિજેતા ટીમને ICC દ્વારા 40 લાખ ડોલરની ઈનામી રકમ આપવામાં આવશે. એટલે કે વિજેતા ટીમને કુલ 33.17 કરોડ રૂપિયા મળશે.

શમી ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો હતો

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર બોલિંગ કરી હતી. ભલે તે ફાઈનલ મેચમાં ઘણી વિકેટ ન લઈ શક્યો હોય, પરંતુ તે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે. શમી આ વર્લ્ડ કપમાં માત્ર 7 મેચ રમ્યો હતો અને આ સાત મેચમાં તેણે 24 વિકેટ ઝડપી હતી. શમીને અંતિમ મેચમાં માત્ર એક વિકેટથી સંતોષ માનવો પડ્યો હતો.

Scroll to Top